|
મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી,
નિત્યાનંદ સ્વામી વગેરે મોટા સંતોની રહેણીકરણી, ભજનભકિત,
જ્ઞાનવૈરાગ્ય વગેરે સદગુણો જોઇને ગોવિંદાનંદ બ્રહ્મચારીને
મનમાં વિચાર થયો કે હું સાધુ દીક્ષા ઇને આ સંતોને સેવા
સમાગમ કરું તો તેની કૃપાથી મારામાં પણ આવા સદગુણો આવે.
પોતાનો આ વિચાર તેણે સુરાખાચરને કહ્યો. તેણે મહારાજને
કહ્યું કે, “ડભાણવાળા
ગોવિંદાનંદ બ્રહ્મચારીને સાધુ બનવાની ઇચ્છા છે.”
મહારાજ કહે “મુકતાનંદ
સ્વામીને કહો કે તેમને ભગવા વસ્ત્રો પહેરાવી જનોઇ આપીને
મારી પાસે લાવ એટલે હું તેને મંત્ર દીક્ષા આપીશ.”
મહારાજની આજ્ઞાથી સુરાખાચરે મુકતાનંદ સ્વામીને તે પ્રમાણે
કહ્યું. સ્વામી બ્ર. ગોવિંદાનંદજીને બોલાવી ભગવા વસ્ત્ર
પહેરાવી જનોઇ આપીને મહારાજ પાસે લઇ ગયા. મહારાજે તેને
મંત્ર દીક્ષા આપીને મુકતાનંદ સ્વામીને કહ્યું કે
“સ્વામી
! આ સંતનું નામ શું રાખીશું ?”
સ્વામી કહે “તેમનું
નામ શુકાનંદ રાખો.”
મહારાજ કહે “બહુ
સારું. શુકાનંદ નામ સુંદર છે.”
મહારાજે વિશેષ કહ્યું કે,
“સ્વામી
! તમે આ સંત્નું પૂર્વજનમનું સ્વરુપ જાણીને જ આ નામ
આપ્યું લાગે છે કારણ કે આ સંત શુકદેવજી જેવા
બ્રહ્મનિષ્ઠપુરુષ થશે.”
ભગવાન અને સંતોની ઇચ્છા મુજબ ક્રિયા કરવાના
સ્વભાવવાળા શુકાનંદ સ્વામીએ ભગવાન અને સંતોની સેવા સમાગમ
કરીને તેઓની કૃપાથી શ્રોત્રિય બ્રહ્મસ્થિતિ સિદ્ધ કરી.
સ્વામી કહે છે કે,
“મારુ
એમ માનવું છે કે દેહમાં આસકિત, વિષયમાં પ્રીતિ અને
શુભવાસના આ બધાજ દોષો શારીરિક માંદગીથી નાશ પામે છે. અને
નિર્વાસનિક થવાય છે. આમ વિચારીને મે મહારાજને પ્રાર્થના
કરી કે
“હે
મહારાજ ! મને બીમારી આપો જેથી હું નિર્વાસનિક થાઉં.
મહારાજે મારી પ્રાર્થના સાંભળી અને મારા શરીરમાં તાવની
બીમારી મૂકી જેથી હું નિર્દોશ અને નિર્વાસનિક થયો.”
તેમજ સ્વામીશ્રી કહે છે કે મહારાજે મારા બધા સંકલ્પો
પૂર્ણ કર્યા છે.
એક સત્સંગી એ સ્વામીશ્રીને પ્રશ્ર્ન પૂછયો કે,
“અંતર્યામી
સ્વરુપે પરમાત્મા બધાના હ્રદયમાં રહે છે. એ અંતર્યામી
પરમાત્મા ભકતને કેવીરીતે સહાયક બને છે ? તેનો ઉત્તર આપતા
સ્વામીશ્રીએ કહ્યું કે ભકતના હ્રદયમાં રહેલા અંતર્યામી
પરમાત્મા ભકતની વિપત્તિવેળામાં ભકતોના દુઃખ ટાળે છે.
ભકતના કઠિન પ્રારબ્ધ ફેરવી નાખે છે અને આયુષ્ય પૂર્ણ
થયું હો તો પણ ભકતને દીર્ઘાયુષ્ય આપે છે. તેન ઉદાહરણમાં
સ્વામીએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીને અસાધ્ય રોગ હતો
તે મટાડયો ને નીરોગી કર્યા તેમજ આયુષ્ય પૂર્ણ થયું હતું
છતાં પણ ૨પ વર્ષનું દીર્ઘઆયુષ્ય ભોગવ્યું.
પોતાની વાતોમાં સ્વામીશ્રી કહે છે કે મહારાજ
કથાવાર્તા કરતા ને અમે સાંભળતા. વળી, વચનામૃતો મેં જ
લખ્યા અને તેનું સંશોધન પણ ધરતો પરંતુ તે સમયમાં મને
તેમાં કેટલીક શંકાઓ રહેતી પરંતુ જયારે ગોપાળાનંદ સ્વામીએ
વચનામૃત સમજાવ્યા ત્યારે જ તે શંકાઓનું નિરાકરણ થયું
માટે સતશાસ્ત્રનો અભ્યાસ અને સતપુરુષના વચનમાં વિશ્ર્વાસ
હોય તેને જ સતશાસ્ત્રના સત્ય અર્થો સમજાય. શુકાનંદ
સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પાસે
રહીને સંસ્કૃત વિદ્યાનો વિશેધા અભ્યાસ કરીને ઉત્તમ
કોટિના વિદ્વાન થયા હતા. સ્વામીશ્રી એ સંત્સગિજીવન
ગ્રંથની
“હેતુ”
નામની સંસ્કૃત વ્યાખ્યા લખી છે. ઉપરાંતમાં કેટલાક
ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કેટલાક સંસ્કૃત ગ્રંથો પણ
સ્વામીશ્રીએ લખેલા છે. જે સ્વામીશ્રીની વિદ્વતાના ઘોતક
છે.
શુકાનંદ સ્વામી સર્વ સંતો પ્રત્યે સદભાવ
રાખતા. વળી, વૃદ્ધ, બિમાર, અશકત, વિદ્યાર્થી વગેરે સંતોને
દૂધ, સાકર, પાપડ, અથાણા, વસ્ત્ર પુસ્તક વગેરે આદરથી
અપાવતા.
શુકાનંદ સ્વામીને ત્યાગી શિષ્યો પણ ઘણા હતા.
તે પૈકીના કેટલાક સંતો વિદ્વાન હતા. સ્વામીશ્રીના
વિદ્યાર્થીઓમાં વિપ્ર જ્ઞાતિના કેટલાક ગૃહસ્થો ઉત્તમ
કોટિના વિદ્વાન થયેલા. તે પૈકીના ભોળાનાથ શાસ્ત્રી મહાન
વિદ્વાન હતા. તેમણે
“હરિસંભવ”
મહાકાવ્યની સંસ્કૃત વ્યાખ્યા લખી છે જે તેની વિદ્વતાની
ઘોતક છે.
શ્રીહરિ ઘણી વખત કહેતા કે,
“ડભાણીયો
આંબો, ડભાણીયો બળદ અને ડભાણીયા શુકમુનિ આ ત્રણેય અમોને
અત્યંત ઉપયોગી થયા છે.”
એમ કહીને શ્રીહરિ શુકમુનિની પ્રશંસા કરતા.
આરીતે સંપ્રદાયની અજોડ સેવા કરનાર બ્રહ્મનિષ્ઠ
સંતવર્ય સ.ગુ. શુકાનંદ સ્વામી સંવત ૧૯૨પના માગશર વદ
અમાસના દિવસે વડતાલમાં દેહત્યાગ કરીને અક્ષરવાસી થયા.
સ્વામીશ્રીનું વિસ્તૃત જીવન ચરિત્ર સંપ્રદાયના અન્ય
ગ્રંથોમાં સવિસ્તાર વર્ણવેલ છે. |